મારા ઘરનું આખું છત પથ્થરોથી છવાયું છે,
અને ઘરનું દરેક જણ પથ્થરોથી ઘવાયું છે.
અમે તો કોઈને હૈયેથી અળગાં નહીં કર્યાં,
મેં તો બધાંને મારા ગણ્યાં, નહીં કોઈ પરાયું છે.
આભની ગર્જનાની જેમ ગર્જે છે લોકો અહીં,
વરસતા ભલે નથી, પણ વાદળ તો છવાયું છે.
શેરીમાં મળે તો કેમ છો પણ કહેતા નથી,
એવું તો કોણે એમને ઘૃણાનું ઝેર પાયું છે.
ઘણા પ્રેમથી રમે છે એનાં અને મારાં બાળકો,
કાદવમાં જુઓ કેવું મજાનું કમળ સર્જાયું છે.
તોયે અમે એક બીજાથી છૂટા ન પડ્યા હજી,
માળાના દાણાંની જેમ અમારું જીવન ઘડાયું છે.
એક દિવસ એ લોકો ફૂલ લઈને આવશે મારા ઘરે,
ઘણે ઊંડે છતાં એમનાં દિલે અમારું હેત સમાયું છે.