Skip to main content

એક સરીખી...

એક સરીખી... 

નામ અલગ રાખ્યાં છે કિન્તુ પીડા મળતી એક સરીખી, 
કોઇ મિલનથી, કોઇ વિરહમાં, આંખો રડતી એક સરીખી. 

કોઇ સમયની રાહ જુએ ને કોઇ સમયથી ભાગ્યા કરતાં, 
શૂળ બનીને વાગે કાંટા, કાય કણસતી એક સરીખી. 

આજ ઉડીને અહીં આવી તો કાલ ઉડીને ત્યાં બેસી ગઈ, 
મન્દિર હો યા મસ્જિદ હોવે, ચકલી ચણતી એક સરીખી. 

સૂરજના આથમવા ટાણે શાંત સરોવર સામે બેઠો, 
એ પણ ડૂબ્યો, હું પણ ડૂબ્યો, ચડતી પડતી એક સરીખી. 

એક વખતની વાત નથી આ કાયમની છે લમણાંકૂટ, 
હું વળગ્યો કે ઈચ્છા વળગી, વાત સળગતી એક સરીખી.