Skip to main content

Posts

એક સરીખી...

એક સરીખી...  નામ અલગ રાખ્યાં છે કિન્તુ પીડા મળતી એક સરીખી,  કોઇ મિલનથી, કોઇ વિરહમાં, આંખો રડતી એક સરીખી.  કોઇ સમયની રાહ જુએ ને કોઇ સમયથી ભાગ્યા કરતાં,  શૂળ બનીને વાગે કાંટા, કાય કણસતી એક સરીખી.  આજ ઉડીને અહીં આવી તો કાલ ઉડીને ત્યાં બેસી ગઈ,  મન્દિર હો યા મસ્જિદ હોવે, ચકલી ચણતી એક સરીખી.  સૂરજના આથમવા ટાણે શાંત સરોવર સામે બેઠો,  એ પણ ડૂબ્યો, હું પણ ડૂબ્યો, ચડતી પડતી એક સરીખી.  એક વખતની વાત નથી આ કાયમની છે લમણાંકૂટ,  હું વળગ્યો કે ઈચ્છા વળગી, વાત સળગતી એક સરીખી. 
Recent posts

*તારી યાદ સૌ ભૂલી જાસે,*

*તારી યાદ સૌ ભૂલી જાસે,* *એક દિન જોજે  ભીંતમાં* *તસ્વીર તારી ઝૂલી જાસે,* *સમયના વહેતા પ્રવાહમાં,* *તારી યાદ સૌ ભૂલી જાસે,* *ભૂલકણા તારા ભાઈ સૌ* *ભાભીઓ ભૂલી જાસે,* *તારા કરેલા કામ સૌ,* *તારું નામ પણ ભૂલી જાસે,* *ભૂલસે તારા ભૂતકાળ ને* *તારી જાત પણ ભૂલી જાસે,* *છોળ સંસાર ની વાત તું,* *તારી માત પણ ભૂલી જાસે.* *આવ્યા'તા તારે આંગણે* *એ અતિથિ ભૂલી જાસે,* *તારા જન્મ અને મોતની,* *સૌ તિથિ પણ ભૂલી જાસે.* *ભૂલી જશે એ ભાઈબંધો* *જેને ડૂબતા નેં તેં તાર્યાં,* *સંતાન ભૂલસે સમય વહે,* *તારી ભાર્યા  પણ ભૂલી જાસે.*

શબ્દાય છે

આભમાં જ્યાં વાદળો ઘેરાય છે, માટીને મન ફૂટું ફૂટું થાય છે. મ્હેક વરસાદી લઈને આ પવન, લોહીમાં સીધો પ્રવેશી જાય છે. વાદળી વરસ્યા વગર મુજ આંખથી, લો, હૃદયમાં પાછી ચાલી જાય છે. દેહમાં પણ વીજ ચમકી જાય છે, બીજ જેવું ગીત રે વેરાય છે. જે ક્ષણે સૌ શબ્દ થીજી જાય છે, એ ઘડીમાં મૌન બસ શબ્દાય છે. આંખમાં આવ્યાં નથી એ આંસૂઓ, લો, જુઓ દરિયા સુધી રેલાય છે.

નદીયું તો આઘી ને આઘી…

જોજનના જોજનની ખેપું ખેડું ને તોય નદીયું તો આઘી ને આઘી હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી… પાણીનું નામ જેને આપી શકાય એવું કૈંયે નથી મારી ખેપમાં ખોલીને પાથરું તો પથરાયેલ નીકળે વાંસવન સુક્કા આ ‘મેપ’માં એ સળગે કે કેમ એને ઠારું કે સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી… વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં સૂસવતા પવનોના રાગે પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં, ‘ખળખળ’ના ભણકારા વાગે એક જો હોત હું ભૂવો ભરાડી લેત નદીયું ને લાવવાની સાધી હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી….

તને

આ સમય પાસેથી હું ઝૂંટુ તને, આવ તો લખલૂટ હું લૂટુ તને, તું સરોવર મધ્યમાં ઉભી રહે, ને કમળની જેમ હું ચૂંટુ તને. હો તરસ એવી કે રોમરોમથી, તું પીએ ને તો ય હું ખૂટું તને એક પળ માટે થઇ જા વૃક્ષ તું, ડાળખીની જેમ હું ફૂટુ તને. નામ તારું નામ તારું નામ તા— એકડા ની જેમ હું ઘૂંટુ તને.

હું, તમે ને આપણે

છોડ, કાંટા, ફૂલ તે શું ? હું, તમે ને આપણે સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું, તમે ને આપણે રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ સિંહ, સસલાં, મોર તે શું ? હું, તમે ને આપણે તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું, તમે ને આપણે ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં થાંભલી, આ મોભ, તે શું ? હું, તમે ને આપણે વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ એ બધાનું કેન્દ્ર તે શું ? હું, તમે ને આપણે હું, તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું, તમે ને આપણે

બદલવાથી

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી. નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી. જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી. નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી. ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.